
Gujarat Corona Updates: ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર 3 અને અમદાવાદમાં 7 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં નોંધાયેલા 7 કેસ તમામ એક સપ્તાહના છે. જેમાં 7 માંથી 5 કેસ વિદેશના અને 2 કેસ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે. વિદેશથી આવેલા 5 દર્દીઓ ઓસ્ટ્રેલિયા, યુકે, અને સિંગાપોરથી આવેલા છે. આ કેસમાં 4 મહિલા અને 3 પુરૂષ દર્દીઓ છે. જે 15થી લઈને 70 વર્ષની ઉંમર ધરાવે છે. જે તમામને હાલમાં હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ કેસ શહેરના પશ્ચિમ વિસ્તારના જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં નોંધાયા છે. તમામ પોઝિટીવ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલવામાં આવ્યા છે. જે બાદ દર્દીઓમાં નવો વાઇરસ છે કે નહીં એ રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે.
ચીનમાં વધી રહેલા કોરોનાના કેસ બાદ ભારતમાં પણ કોરાનાના કેસ નોંધાય રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાએ ફરી એકવાર માથુ ઉચક્યું છે.. તો બીજી તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યના હેલ્થ વિભાગ સાથે સમીક્ષા કરી હતી. અને હોસ્પિટલમાં કોરોના સામે લડવાની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાવા પામ્યો છે. દક્ષિણ ભારતથી આવેલા પ્રવાસીઓનાં ટ્રેકિંગમાં કેસ સામે આવ્યો છે. ગઈકાલે પણ ગાંધીનગરમાં 2 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા. ગાંધીનગરમાં 2 દિવસમાં કુલ 3 પોઝીટીવ કેસ નોંધાયા હતા.
આ બાબતે SVP સુપ્રિટેન્ડેન્ટ સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવા કોરોનાં વેરીયેન્ટને લઈ તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેને લઈ SVP હોસ્પિટલને કોવિડનાં દર્દીઓ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે. 20 બેડ આઈસીયુ માટે અને 30 બેડ અલગ અલગ સ્ત્રી દર્દીઓ માટે ફાળવવામાં આવેલા છે. તેમજ તાજેતરમાં ઓક્સિજનનાં પ્લાન્ટ માટે જરૂરી મોકડ્રીલ પણ કરવામાં આવેલ હતું. અત્રે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક છે. 6 પીએસએ પ્લાન્ટ છે. જેથી ઓક્સિજનની ક્યારેય ખોટ પડશે નહી. AMC સંચાલિત SVPમાં 80 બેડના ફ્લોર સાથે સાથે ઓક્સિજન ટેન્ક અને દવાનો સ્ટોક પણ તૈયાર કરવામાં આવ્યો છે. મેડીકલ સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાના કેસો વધતા રાજકોટ સિવિલે તૈયારીઓ શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ન વર્તાય તેના માટે ઓક્સિજન પ્લાન્ટ કવાયત હાથ ધરાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ તંત્ર સાથે બેઠક કરશે. કોરોનાના કેસોને મામલે તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય ડૉ દર્શિતા શાહે સિવિલની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સિવિલમાં કોરોનાના કેસોને લઈને પુરતી સુવિધા રાખવામાં આવી છે. બેડ અને ઓક્સિજન પ્લાન્ટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - કોરોના - ગુજરાતી સમાચાર - Gujarat Corona virus Cases update news - corona new varient spread fast