
સુરત, પાટણ, આણંદ, છોટાઉદેપુર અને ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ નદીઓ જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને કેટલાંક વિસ્તારોમાં ટ્રાફિક જામથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે
ગુજરાતમાં જતા-જતા ચોમાસું તોફાની બન્યું છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડતાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. સુરત, પાટણ, આણંદ, છોટાઉદેપુર અને ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ નદીઓ જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને કેટલાંક વિસ્તારોમાં ટ્રાફિક જામથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
સુરત શહેરમાં બપોર બાદ મેઘરાજા ધોધમાર વરસ્યા હતા.. હવામાન વિભાગે આપેલી આગાહીને અનુરૂપ શહેરના વેડ, ડભોલી, કતારગામ અને સિંગણપોર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો. ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આગાહી મુજબ આગામી ચાર દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છોટાઉદેપુરમાં બોડેલી, જબુગામ, સૂર્યાધોડા અને મોડાસર જેવા ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ, પાટણ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદે હાજરી આપી છે. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વારાહી, લખાપુરા, ગોખાંતર અને બામરોલી જેવા વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને અંધારું છવાયું છે.
આણંદ જિલ્લાના ખંભાત શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોચીવાડ, ટાવર ચોક, ભાલબારા ગોલણ, મીતલી, તરકપુર, પાંદડ, ઉંદેલ અને વટાદરા જેવા ગામોમાં ભારે વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થયો છે અને લોકોને ઘરના બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે કિમ નદી ફરી ગાંડીતૂર બની છે. વાલિયાના ડહેલી ગામ પાસે કિમ નદીનું ડાયવર્ઝન ફરી વળતા પાણી વાલિયા-વાડી માર્ગ પર ફરી વળ્યું છે. સીઝનમાં આ પાંચમી વાર છે જ્યારે કિમ નદીના ડાયવર્ઝન પર પૂર આવ્યું છે. માર્ગ બંધ થવાના કારણે ટ્રકો, કન્ટેનરો અને અન્ય ભારે વાહનો લાંબી લાઈનમાં અટવાઈ ગયા છે. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે અને લોકો અનેક કલાકોથી રાહ જોઈ રહ્યા છે. વૈકલ્પિક માર્ગ બંધ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - heavy rains lash gujarat urban flooding traffic chaos across multiple districts