
ક્લાયમેટ ચેન્જની અસર હેઠળ વિશ્વના સંખ્યાબંધ દેશો ઝઝૂમી રહ્યા હોય તેમ યુરોપ જેવા દેશોમાં જંગલની ભયાનક આગ વચ્ચે ભીષણ ગરમી અને હીટવેવની હાલત સર્જાઇ છે. બ્રિટન સહિતની દેશોમાં ગરમીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
યુરોપનાં અનેક દેશો ભયંકર ગરમીની લપેટમાં આવી ગયા છે. બ્રિટનમાં સોમવારે તાપમાનનો પારો 39 ડીગ્રીએ પહોંચી ગયો હતો. આ પૂર્વે 2019ના જુલાઈમાં ભીષણ ગરમી પડી હતી અને ત્યારે તાપમાનનો પારો 38.7 ડીગ્રી નોંધાયો હતો. આ વખતે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ભીષણ ગરમીની સાથોસાથ લૂને કારણે લોકોને માર્ગો પર મુકાયેલા ફુવારાનો સહારો લેવાનો વખત આવ્યો છે.
સંખ્યાબંધ ટ્રેનો રદ કરવી પડી હતી. સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી હતી. તબીબોએ એવી ચેતવણી ઉચ્ચારી હતી કે તંદુરસ્ત માનવી માટે પણ ગરમી જોખમ સર્જી શકે છે. સામાન્ય વર્ષોમાં જુલાઈનું તાપમાન 21 ડીગ્રી આસપાસ જ રહેતું હોય છે.
બીજી તરફ સ્પેન, પોર્ટુગલ, ફ્રાંસ સહિત દક્ષિણ પશ્ર્ચિમ યુરોપનાં અનેક દેશો પણ ભીષણ હીટવેવનો સામનો કરી રહ્યા છે અને તેને કારણે જંગલોમાં આગ ફાટી નીકળી છે. ફ્રાંસના બોર્ડો શહેરમાં તાપમાનનો પારો 44 ડીગ્રી પહોંચવાની ચેતવણી આપવામાં આવી છે. સ્પેનમાં 36 સ્થળોએ આગ ભભુકી ઉઠી છે. બે ડઝન જંગલોમાં આગ કાબૂમાં થઇ છે.
સમગ્ર દેશનાં 2/3 ફાયર ફાઈટરોને બચાવ-રાહત કાર્યમાં તૈનાત કરવામાં આવ્યા છે. ગ્રીસ અને સ્પેનમાં પણ આગને કારણે હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ગઇ છે. વૃક્ષોમાં પણ આગ ભભૂકતા સમગ્ર વિસ્તારોમાં ધૂમાડાના ગોટેગોટા સર્જાયા છે. યુરોપીયન યુનિયનની ઇમંરજન્સી મેનેજમેન્ટ દ્વારા સમગ્ર સ્પેનમાં આગ ફેલાવાની ચેતવણી આપવામાં આવી છે.
ઉપરાંત પોર્ટુગલનો મોટો ભાગ પણ આગની ઝપટમાં આવી જાય તેવી સ્થિતિ છે. આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઈટીંગ પ્લેન તૈનાત કરવામાં આવ્યું હતું તે પણ તૂટી પડ્યું હતું અને તેના પાયલોટનું મોત થયું હતું.